આ બ્લૉગ શોધો

સોમવાર, 19 જાન્યુઆરી, 2015

            વ્યક્તિ વિશેષ -------                             (કૌશિક કાનાણી)
ગાંધીજીના અંગત મંત્રી મહાદેવભાઇ દેસાઇ

http://www.gurjari.net/uploaded/gallery/garva-gujaratio/larg/mahadevbhai-desai.jpgમહાત્‍મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડ્યું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક મહાદેવભાઈનો જન્મ ૧-૧-૧૮૯૨માં સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો.અભ્યાસ માં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલ.એલ.બી.માં પણ સારો દેખાવ કર્યો. શ્રી દેસાઈએ અમદાવાદમાં વકિલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઈ, કારકીર્દિ પડતી મૂકીને આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ વહેતું રહ્યું. મહાદેવભાઈનું ભાષાપ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઈ ગાંધીજીએ કહી દીધુ કે મહાદેવ ! તમારે હવે બધા કામ મૂકી દઈને મારી જોડે જ રહેવાનું છે.અને તે આજ્ઞાને શિરોમાન્ય ગણી તેઓ બાપુમય બની ગયા. તેમણે કવિવર ટાગોરના ૨૫ જેટલા સુંદર અનુવાદો આપ્યા છે. તો સામે ગાંધીજીની આત્મકથાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરી છે. મહાદેવભાઇની ડાયરીના સંપુટો તેમનું યાદગાર પ્રદાન છે. ૫૦ વર્ષની વયે મહાદેવભાઈ દેસાઈ ૧૫-૮-૧૯૪૨ના રોજ ચાલ્યા ગયા, પણ પોતાની અડધી જિંદગીમાં આખી જિંદગીનું કામ કરતાં ગયા. બાપુના ખોળામાં જ ગયા અને બાપુના હાથે જ તેમને અગ્નિદાહ દેવાયો. બાપુએ તેમને અંજલિ આપતા કહ્યું હતું કે મહાદેવે મારામાં સંપૂર્ણેપણે સમાઈ જવાનું પસંદ કર્યું હતું.
ભિક્ષુ અખંડાનંદ
http://www.gurjari.net/uploaded/gallery/garva-gujaratio/larg/bhikshu-akhandanand.jpgસસ્તા અને ગૌરવવંતા ગુજરાતી સાહિત્ય‍ના પ્રકાશન પછળ જેમની પ્રેરણા સદાય સૌને માર્ગદર્શક બની રહી છે તેવા ભિક્ષુ અખંડાનંદનો જન્મ બોરસદ ગામે થયો હતો. તેમના પૂર્વાશ્રમનું નામ લલ્લુભાઈ ઠક્કર. અભ્યાસ દરમિયાન નાની કવિતાઓ લખવાનો ચસકો લા‍ગ્યો. મહાશિવરાત્રીને દિવસે શાંકર સંપ્રદાયની વિધિ મુજબ તેમણે સંન્યાસ દીક્ષા લીધી. એ જમાનામાં સારાં પુસ્તકો બહુ મોંધા મળતા અને ભાષાકીય દ્દષ્ટિએ પણ ભારેખમ. આ બધાં અવલોકનો પછી એમણે સસ્તુ સાહિત્ય શરૂ કર્યું. સસ્તા ભાવે કાગળ અને બીજી સામગ્રી મેળવવા સતત પ્રવાસ ખેડતા. તેમને ખૂબ ગમેલા ભાગવતના એકાદશ સ્કંધનું તેમણે પ્રકાશન કર્યું. સંસ્કૃત ધર્મગ્રંથો, નીતિશાસ્ત્ર, બાળકથાઓ અને મહિલા ઉપયોગી વિવિધ ગ્રંથો સરળ ભાષામાં અને સસ્તા દરે ગુજરાતમાં ઘેર ઘેર પહોંચાડવા સફળ પ્રયત્નો કર્યા. અખંડાનંદ સામયિકે ગુજરાતનું સંસ્કાર ઘડતર કર્યું છે. ગીતા સહિત ધર્મ સંસ્કારના પુસ્તકોની ૫૪૦૦૦ નકલો માત્ર સાડાત્રણ વર્ષમાં જ વેચીને વિક્રમ સજર્યો. એમ.જે.પુસ્તકાલયને તેમણે વિવિધ ભાષાના દસ હજાર પુસ્તકો કબાટો સાથે આપીને ઊંચી ભાવનાનું દ્દષ્ટાંત પૂરું પાડ્યું છે. તા. ૪-૧-૧૯૪૨ના રોજ વહેલી સવારે સ્વામીજી આ દુનિયામાંથી ખસી ગયા. આખરે અખંડ હતું તે અંખડ રહ્યું અને ખંડિત હતું તે પંચમહાભુતમાં વિલીન થઈ ગયું.
ન્હનાલાલ
http://www.gurjari.net/uploaded/gallery/garva-gujaratio/nhanalal.jpgરસ અને પુણ્યના કવિશ્વર,દલપતરામના સૌથી નાના પુત્ર ન્હાનાલાલનો જન્મ અમદાવાદમાં થયો હતો. એમની સાહિત્યોપાસનાનો પ્રારંભ છઠ્ઠી અંગ્રેજીથી થયો જોવા મળે છે. ત્યાંથી વધીને ડેક્કન કોલેજના અ‍ભ્યાસ કરતા કરતા વસંતોત્સવ રચતા કવિ જોવાય છે. એ વસંતોત્સવે સાહિત્યજગતમાં ઉન્મેશ જગાડ્યો.એમ.એ.થઈપ્રેમભક્તિઉપનામ થી તેમનું એક કાવ્ય છપાયું હતું. પછીથી તો વિશેષ વેગથી સાહિત્ય સર્જન શરૂ કર્યું. સૌરાષ્ટ્રની એજન્સીના એ શિક્ષણાધિકારી નિમાયા હતા. સ્વા‍મીની પ્રકૃતિએ એમને જાહેરજીવનથી દૂર રાખ્યા હતા. પ્રકાશ દ્દષ્ટિએ બાળકાવ્યો‍, ગઝલો, રાસ, કથાકાવ્યો, મહાકાવ્યો, નાટકો, નવલકથાઓ અને ચરિત્રગ્રંથ તેમના સાહિત્યમાં સમાવિષ્ટ થાય છે. તેમના ઘણાં ગીતો ગુજરાતી ભાષાની ઉત્તમ ગીતસમૃદ્ધિ છે. અમારો ગુણિયલ ગુર્જર દેશજેવી પ્રાસાદિક સ્તુતિથી ગુર્જરભૂમિનું ગુણગાન કરનાર પ્રથમ કવિ ન્હાનાલાલ હતા. તેમણે જીવનના અંત ભાગમાંહરિસંહિતાનામે એક મહાકાવ્ય‍ લખવાનું શરૂ કર્યું. દરમિયાન તારીખ ૯-૧-૧૯૪૬ના રોજ કવિનો સ્વ‍ર્ગવાસ થયો. તેમનું આ વિરાટ કાવ્ય‍ અધૂરું જ રહ્યું. જે પંડિત જવાહરલાલ નહેરુના શુભહસ્તે‍ જેટલું લખાયું તેટલું પ્રસિ‍ધ્ધ થયું હતું. આજે પણ આ મહાકાવ્યની સાહિત્યની આભા ઉપેક્ષાના વાદળો ચીરીને ગુણીયલ ગુર્જર દેશ ને અજવાળી રહી છે.
સ્વામી આનંદ
સાધનાવંતા સાધુ અને સાહિત્યકાર હિંમતલાલ દવેનો જન્મ સૌરાષ્ટ્રના ઝાલાવાડના શિયાણી ગામે થયો હતો. કિશોરવયે જ ઘર છોડીને તેઓ ચાલી નીકળ્યા. દરમિયાન યોગીઓના પરિચયમાં આવ્યા. હિંદી અને બંગાળી પણ છૂટથી તેઓ બોલી શકતા. ગાંધીજીના સિદ્ધાંતો એમણે જીવનમાં ઉતાર્યા. બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારના મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સંભાળેલી. તેમની પ્રતિભા જબરદસ્ત હતી. વિસ્મયતા એ કહેવાય કે સ્વામીદાદાએ શાળા-કોલેજમાં ગયા વગર સિદ્ધિ મેળવી હતી. ગાંધીજીના નવજીવનઅને યંગ ઈન્ડિયાનું તંત્રસંચાલન તેમણે હાથમાં અનન્ય છે. હિમાલયનો પ્રવાસ ખેડનાર કાકાસહેબની ત્રિપુટીમાં એક સ્વામી આનંદપણ હતા. ધરતીકંપ, રેલરાહત, સત્યાગ્રહ આંદોલન આ બધામાં સ્વામીદાદાઆગળ પડતો ભાગ લેતા. બ્રહ્મચર્યના ઓજસથી ઝગારા મારાતા ગૌર બદનમાંથી તેજ ઝરતી આંખોથી માંડીને હળવા હૈયાથી વહેતી એમની વાણી સાંભળવી એ એક લહાવો હતો. પ્રકૃતિએ અત્યંત સંવેદનશીલ સ્વામીદાદાને સ્વજનોની ચિરવિદાય પછી જિંદગી વસમી લાગતી હતી. તેઓ કહેતા: બિસ્તરા બાંધી, ટિકિટ કપાવી વરસોથી પ્લેટફોર્મ પર બેઠો છું, પણ મારી ગાડી જ આવતી નથી.તા. ૨૫-૧-૧૯૭૬ના રોજ એ કમબખ્ત ગાડી આવી અને મુંબઈમાં તેમનું દેહાવસાન થયું.
દીવાન કૃષ્ણલાલ ત્રિવેદી
પ્‍લેગના દર્દીઓની સેવા કરી પ્રજા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્‍ત કરનાર દીવાન કૃષ્‍ણલાલ ત્રિવેદીનો જન્‍મ સૌરાષ્‍ટ્રના સાગરકાંઠાનું ગામ ધોધામાં થયો હતો. ગરીબ સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્‍ણલાલે વધુ ભણવાનો દ્દઢ નિરધાર કર્યો. ગરીબ સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્‍ણલાલે વધુ ભણવાનો દ્દઢ નિરધાર કર્યો. મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ થયા કે તુરત જ કલાર્ક તરીકેની નોકરી સ્‍વીકારી, સાથે સાથે કાયદાનો અભ્‍યાસ ચાલુ રાખી વકીલાતની પરીક્ષા પાસ કરી. કર્તવ્‍યનિષ્‍ઠાના પરિપાકરૂપે તેઓ ભાવનગર મ્‍યુનિસિપાલટીના કમિશનર થયા. અચાનક ભાવનગર પર પ્‍લેગના રોગની આફત ઉતરી આવી. પ્રજા સ્‍થળાંતર કરવા લાગી. કૃષ્‍ણલાલ ઘેર ઘેર ફરી પ્‍લેગના દરદીઓની સારવાર કરી તેમના આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઈ પર રહ્યો નહીં. તેમની આ નિ:સ્‍વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક અર્પણ કરાયો. પોતાની કાર્યનિષ્‍ડાની ખ્‍યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના રાજ્યે મુખ્‍ય દીવાન તરીકે પંસદ કર્યાં. દરમિયાન રાજ્યમાં દુષ્‍કાળરૂપી આફતનાં ઓળાં ઉતરી આવ્‍યા. ફરી પ્રજા સેવામાં લાગી ગયા અને રાજની રૈયતને પ્રાણ ફૂંકીને બેઠી કરી. તેઓમાં વિધા તરફ ઊંડી અભિરુચિ હતી. કોઈપણ કાર્ય સંભાળવા તત્‍પર રહેતા અને સંભાળ્યા પછી પોતાની ઉજ્જવળ છાપ છોડી જતા. જેને સૌ કોઈ ઉદાહરણ તરીકે યાદ કરતા. પુરુષાર્થનો પુણ્‍યપ્રતાપ પાથરી આ પ્રભાવશાળી પુરુષે ૨૭-૧-૧૯૫૦ના રોજ ચિરવિદાય લીધી. તેમનું સૂત્ર હતું દ્રઢ નિશ્ચયથી ખંતપૂર્વક કામ કરો.
મોતીભાઈ અમીન
ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરી તેને વિસ્તારી ગુજરાતની પ્રજાને જ્ઞાન અને સંસ્કારનો સ્પર્શ કરાવનાર મોતીભાઈ અમીનનો જન્મ ઈ. ૧૮૭૩માં થયો હતો. ગ્રેજ્યુએટ થઈ શિક્ષક તરીકેની કારકિર્દિ પ્રારંભ કર્યો અને શિક્ષણની સાથે સાથે પુસ્તકાલય પ્રવૃત્તિ વ્યાપક બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો. સભા સમારંભો, ભાષણો, ઉદધાટનો અને પ્રમુખસ્થાનેથી દૂર રહી મોતીભાઈએ જે અવિરત સેવાયજ્ઞ કર્યો છે તે આજે કોઈપણ ક્ષેત્રના સેવકો માટે ઉમદા દ્રષ્ટાંતરૂપ છે. એમના પુસ્તકાલયમાસિકે ગુજરાતની પ્રજામાં શિષ્ટવાચનનો શોખ વધારવાનું ભગીરથ કાર્ય કર્યું. બે જ વર્ષમાં વડોદરા રાજ્યમાં એમણે ૪૦૦ પુસ્તકાલયો શરૂ કર્યાં હતા. ઉપરાંત સાવ નાના ગામોમાં ફરતાં પુસ્તકાલયો સ્થાપીને મોતીભાઈએ જ્ઞાન અને સંસ્કૃતિની સમૃદ્ધિ ગુજરાતના છેડા સુધી પહોંચાડવામાં ફાળો આપ્યો હતો. અખિલ હિંદ પુસ્તકાલય પરિષદે ગ્રંથપાલ ઉધમ પિતામહનું બિરુદ આપી તેમને નવાજ્યા હતા. સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી મોતીભાઈએ સામાજિક દૂષણો અને જડ રૂઢિઓ સામે બળવો પોકારીને અનેકવાર પોતાની નૈતિક તાકાતનો પરચો આપ્યો હતો. એ જમાનામાં રિવાજ મુજબ સ્ત્રીઓ પગરખાં પહેરી ન શકતી. આવી સ્ત્રીઓના સહાય અર્થે તેમણે પગરખાંની પરબ શરૂ કરી હતી. ગાંધીજીએ મોતીભાઈને ચરોતરનું મોતીકહી બિરદાવ્યા હતા. તા. ૧-૨-૧૯૩૯ના રોજ તેમનું નિધન થતાં ગુજરાતે એક અઠંગ કર્મયોગી, તપસ્વી શિક્ષક અને સાધુપુરુષ ગુમાવ્યાનો અપાર ખુદ અનુભવ્યો. 
લીલાબહેન પટેલ
મહિલાઓના રાહબર લીલાબહેન પટેલનો જન્મ ૩-૨-૧૯૧૪ના રોજ વડોદરામાં થયો હતો. વિધાર્થીકાળથી જ તેજસ્વી કારકિર્દી ધરાવતા તેમણે ડીપ્લોમાં ઈન બેઝિક એજ્યુકેશન અને મોન્ટેસરી જેવી શિક્ષણોપયોગી પદવીઓ પ્રાપ્ત કરી. સ્ત્રી સામયિકમાં તેમજ સામાજિક સંસ્થા સ્ત્રી નિકેતન માં દીર્ધકાલીન સેવાઓ આપી, ઉપરાંત ગુજરાત રાજ્ય નશાબંધી સમિતિ, જેલ સુધારણા સમિતિ, બાલ ઉત્કર્ષ સમિતિ, રેડક્રોસ સોસાયટી જેવી રાજ્યની અનેકવિધ સંસ્થાઓમાં મહત્વના હોદ્દા પર રહી પોતાની સેવાઓનો લાભ આપ્યો છે. સંદેશમાંજીવનના અંતરંગ કોલમ દ્રારા સ્ત્રીઓના શોષણ અને કુરિવાજો સામે સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એટલું જ નહીં, કાનૂની સલાહ માટે ખાસ તંત્ર પણ ઊભુ કર્યું હતું. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એ માટે બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવનાર વિધા‍ર્થિનીને સ્ત્રી નિકેતન દ્વારા સુવર્ણચંદ્રક એનાયત કરતાં હતાં સંદેશના મોભી સ્વ. ચીમનભાઈ પટેલને એક આદર્શ ધર્મપત્ની તરીકે સંઘર્ષના સાથી તરીકેની જે ભૂમિકા લીલાબહેને બજાવી તે તેમના આદર્શ દંપતીના પ્રેમભર્યા સહકારની સાક્ષી પૂરી પાડે છે. સામાજિક મહિલા કાર્યકરોની એક આખી પેઢી તૈયાર કરનાર લીલાબહેન ઈ.૨૦૦૪માં સંદેશપરિવારને અનાથ બનાવી ચિરનિદ્રામાં પોઢી ગયા. 
પ્રભાશંકર પટ્ટણી

વિચક્ષણ રાજ અમલદાર, સાધુપુરુષ પ્રભાશંકર પટ્ટણીનો જન્મ મોરબી ગામમાં થયો હતો. તેઓ વિધાર્થીકાળથી જ તેજસ્વી હતા. તેમનો અભ્યાસ મેટ્રિક સુધીનો હતો. એક સામાન્ય શિક્ષક તરીકેની નોકરીથી કારકિર્દીનો પ્રારંભ કરીને તેઓએ ભાવનગર રાજયના દીવાનપદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવ્યું હતું. ખેડૂતોની સ્થિતિ સુધારવા તેઓ પોતાથી બનતું બધુ જ કરતા. જૂનાગઢ વગેરે દેશી રાજ્યો ઉપરાંત સરકારી ઈલાકાઓએ પણ ભાવનગરનો દાખલો લઈતે દિશામાં પ્રયત્ન કરેલા. હિન્‍દુસ્તાનના દેશી રાજયોના માનવંતા સલાહકાર ઉપરાંત બ્રિટિશ સલ્તનતનોવિશ્વાસ મેળવી ઈન્ડિયા કાઉન્સિલમાં તેમણે સ્થાન ભોગવ્યું હતું. તેમનો ભાવનગર પ્રત્યેનો પ્રેમ અને મહારાજા ભાવસિંહજી પ્રત્યેની ભક્તિ અનન્ય હતા. ઉચ્ચ અમલદાર હોવા છતાં તેમનું જીવન ખૂબ જ સાદગીભર્યું હતું. તેણે કેવી નિષ્ઠાથી કામ કર્યું તેનો પુરાવો એ છે કે પોતે જ્યારે દીવાન થયા ત્યારે તિજોરી જે સ્થિતિમાં હતી તેમાં અનેક ગણો ભરાવો થયો હતો. નિ:સ્પૃહી પ્રભાશંકર પટ્ટણી જરૂરિયાતમંદ લોકોને છુટે હાથે સહાય કરતા એ કોઈથી અજાણ્યું ન હતું. ૭૬ વર્ષની ઉંમરે તા. ૧૬-૨-૧૯૩૮ના રોજ તેમનું અવસાન થયું, ત્યાં સુધી તેઓ ભાવનગર રાજયને અને રાજવીને સમર્પિત રહ્યા હતા. 
કસ્તુરબા : “Bapu is no doubt great but Ba is greater still.”

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો